ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ધારાસભ્યો દ્વારા ટુંકી મુદ્દતના પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. જેમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
રાજ્યમાં 12 દિવસમાં ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યના 164 જેટલા દર્દીઓને ચાંદીપુરાનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતું. અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 કેસમાંથી 73 બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાની પણ આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી.
અન્ય એક પૂછાયેલા પ્રશ્નમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એક પણ શિક્ષક પગાર લેતાં નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં બિનઅધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર રહેલા ૧૩૪ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા હોવાની પણ શિક્ષણમંત્રીએ માહિતી આપી હતી.
આ ઉપરાંત સહકારી બેંકોના ખાતા અંગેના ટૂંકી મુદતના સવાલનો જવાબ આપતા રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે ૨૨ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં ૬,૫૦૦ કરોડ રૂપિયાની રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 7:23 પી એમ(PM)