ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી. તંત્ર દ્વારા રાજયના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓમાં મુસાફરોને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એસ.ટી.નિગમની કુલ ૮ હજાર ૩૨૦ બસ દરરોજ ૪૨ હજાર થી વધુ રૂટ ઉપર ૩૪ લાખ કિલોમીટરથી વધુ અંતરે મુસાફરોને પ્રવાસની સુવિધા પૂરી પાડે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દીવ દમણ સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસ.ટી.ની બસ સેવાઓ વિસ્તરેલી છે.
ગુજરાતની એસટી પરિવહન સેવાનું સૌથી ઉત્કૃષ્ટ પાસુ તેનું ઈ-ગવર્નન્સ છે. ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન, ઇલેક્ટ્રોનિક પાસ, સીસીટીવી બેઝ્ડ વિજિલન્સ, જીપીએસ બેઝ્ડ વ્હીકલ ટ્રેકિંગ જેવી બહુ આયામી સુવિધાઓ સરકારે નાગરિકોને પૂરી પાડી છે.
એસ.ટી.ની ઓનલાઇન ટિકિટ બુકિંગ સુવિધાના માધ્યમથી રોજ સરેરાશ ૬૮ હજારથી વધુ ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે.
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. સેવાઓના માધ્યમથી ગ્રામીણ વિદ્યાર્થીનીઓ, પારિતોષિક વિજેતા શિક્ષકો, દિવ્યાંગજનો, કેન્સર પીડીતો, સ્વાતંત્ર્ય સેનાની અને તેમની વિધવા વિગેરેને પ્રવાસ શુલ્કમાં ૧૦૦ ટકા રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એસ.ટી.ના ભાડામાં ૮૨.૫૦% રાહત- ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
પર્યાવરણના રક્ષણને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમે ૫૦ ઇલેક્ટ્રીક બસિસ એસટી નિગમની ફ્લિટમાં સામેલ કરી છે, આગામી સમયમાં વધુ ૨૫૦ ઈલેક્ટ્રીક બસિસ સામેલ કરવાનું આયોજન છે.
Site Admin | નવેમ્બર 8, 2024 6:47 પી એમ(PM) | ગુજરાત રાજય પરવિહન નિગમ- એસ.ટી.