ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે.ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરની પાંચ ટુકડીઓ તૈનાત કરી દેવાઇ છે.. રાજ્યના તમામ ઝોનમાં એક એક ટુકડી તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધીના જાહેર થયેલા વરસાદના આંકડા અનુસાર રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબીમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.મોરબીના ટંકારામાં ચોવિસ કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો.. જ્યારે નર્મદા અને ઉકાઉ ડેમમા પણ પાણીની જળસપાટીમાં વધારાના કારણે ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે. બીજીતરફ રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 22 જેટલી ટીમો તૈનાત કરાઇ છે.
હવામાન વિભાગ દ્વારા હજુપણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં રેડએલર્ટ જાહેર કરાયું છે જો કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.
રાજ્યના તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવાની અપીલ કરવામા આવી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:35 પી એમ(PM) | વરસાદ