રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીએ હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું 25 કરોડથી વધુનું વેચાણ કર્યું છે, જે છેલ્લાં 50 વર્ષમાં સૌથી વધુ અને ગયા વર્ષ કરતાં બમણું છે..
આ સિદ્ધિ અંગે નિગમના વહીવટી સંચાલક લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે આ મહત્વની સફળતા પાછળ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે, કારણ કે આ દરમિયાન દેશ-વિદેશના અનેક અતિથિઓ ગુજરાત આવ્યાં અને તેમણે મોટી સંખ્યામાં ગરવી-ગુર્જરી સ્ટૉલ્સની મુલાકાત લીધી હતી અને હસ્તકલાની કલાકૃતિઓની ખરીદી કરી હતી.
નિગમ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના સ્ટૉલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે. આ ગરવી-ગુર્જરીમાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે.
રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરોએ ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખ્યો છે. ગુર્જરીનાં વિક્રમ વેચાણમાં આ કારીગરોની મોટી ભૂમિકા છે.
Site Admin | જુલાઇ 11, 2024 4:44 પી એમ(PM) | હસ્તકલા