અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની કથિત બેદરકારીને પગલે બે દર્દીનાં મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ઘટનાને ગંભીર ગણાવીને ગઈ કાલે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ-SAFUને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી આજે સવારે આરોગ્ય વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજશે. દરમિયાન, બે નિર્દોષ લોકોનાં મૃત્યુ અંગે વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારની રહેમરાહ હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે. કોંગ્રેસે મૃતકોનાં પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગણી કરી છે.
Site Admin | નવેમ્બર 13, 2024 9:26 એ એમ (AM)