ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યાં છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી ચાલી રહી છે. સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસો લઇને ઉમટી પડતા માર્કેટીંગ યાર્ડ બહાર ટ્રકોનો ખડકલો જોવા મળે છે. યાર્ડ બહાર કિલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી જાય છે. યાર્ડના ચેરમેન સહિતના અગ્રણીઓની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે કપાસની 8 હજાર 500 અને મગફળીની એક લાખ પાંચ હજાર ગુણીની આવક નોંધાઇ છે.
બીજી તરફ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા થોડા સમયથી વિવિધ જણસીઓની ભારે આવક થઇ રહી છે. તાજેતરમાં મગફળીની જબ્બર આવક થયા બાદ આજે ડુંગળીની ભારે આવક થઇ છે. ગઇકાલથી જ ખેડૂતો ડુંગળી ભરેલ વાહનો લઈ હાપા યાર્ડ પહોંચ્યા હતાં. ૨૨૫ જેટલા વાહનો ડુંગળી સાથે ખેડૂતો યાર્ડમાં આવ્યા હતાં. ૧૫ હજાર જેટલી ગુણીની આવકથી યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ડુંગળીની આટલી આવકથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાઇ હતી.
Site Admin | ડિસેમ્બર 17, 2024 9:44 એ એમ (AM) | ખેડૂતો