ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪-૨૫ માટે ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ ૩૦૦ રૂપિયાનું બોનસ પણ અપાશે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા. ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. ૬ નવેમ્બર ૨૦૨૪ થી તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂતમિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 11:36 એ એમ (AM)