ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ ત્રાસવાદીઓ દ્વારા નવી ટેકનોલોજીનાં ઉપયોગ સામે ચેતવણી આપી છે અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ત્રાસવાદી જૂથ જાહેર કરાયેલા લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ગઈ કાલે ટોકિયોમાં બેઠક બાદ પ્રસિધ્ધ કરવામાં આવેલા નિવેદનમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ જણાવ્યું હતું કે, ત્રાસવાદ ફેલાવવા માટે નવી અને ઊભરતી ટેકનોલોજીનાં ઉપયોગને પગલે સર્જાયેલા પડકારને ખાળવા માટે તેઓ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાગીદારો સાથેમળીને કાર્ય કરવા પ્રતિબધ્ધ છે. વિદેશમંત્રી એસ.જયશંકર, અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન, ઓસ્ટ્રેલિયન વિદેશમંત્રી પેન્ની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવાએ યુએન દ્વારા ત્રાસવાદી જાહેર કરાયેલા જૂથો સામે નક્કર પગલાં લેવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.
દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે ટોકિયોમાં એક ચર્ચા સત્રમાં જણાવ્યું હતું કે, ભારત આગામી સમયમાં યુક્રેન અને રશિયા સાથે સંપર્ક વધારશે કારણ કે બંને દેશો વચ્ચેનાં સંઘર્ષનો ઉકેલ લાવવા માટે તેમની સાથે વાતચીત કરવી જરૂરી છે.
Site Admin | જુલાઇ 30, 2024 2:32 પી એમ(PM) | ક્વાડ દેશો