કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશની સાથે રાજ્યમાં તબીબો હડતાળ કરી રહ્યા છે.
અમદાવાદ મેડિકલ એસોસિએસન દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતગર્ત આજે સવારે છ વાગ્યાથી લઇને આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહેશે. જ્યારે અમદાવાદમાં સાતસો તબીબો રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. કોલકતાની ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહી અને ન્યાય તેમજ તબીબોની સલામતીની માંગણી સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે.
પાટણ જિલ્લાની ધારપુર સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલના જુનિયર, સિનિયર અને રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહયા છે. જોકે, હોસ્પિટલમાં ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.
મહેસાણાના 300 ખાનગી તબીબો 24 કલાક માટે હડતાળ પર ઉતર્યા છે અને તમામ દવાખાનાઓની ઓપીડી દર્દીઓ માટે બંધ રાખવામાં આવી છે. આ સાથે ડોક્ટરોએ શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી કાઢી હતી. વડનગરની જી.એમ.ઇ.આર એસ મેડિકલ કોલેજ ના પીજી તબીબો એ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહીસાગરના લુણાવાડા શહેરના જવાહર બાગ ખાતે ડોક્ટરોએ એકત્રિત થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલી યોજી હતી. તમામ ડોક્ટરોએ જિલ્લા સેવા સદન ખાતે અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.
સુરતમાં પણ તબીબોએ આજે ક્લીનીક અને ઓપીડી બંધ રાખી છે. જો કે ઇમરજન્સી સેવા ચાલુ રખાઇ છે. સુરત શહેરના તમામ તબીબોએ સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સભા યોજી હતી. બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું.
મોરબીના ડોક્ટરોએ પણ આજે હડતાળ પાડીને રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 17, 2024 3:24 પી એમ(PM)