કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. આજે સવારે ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 66થી વધુ લોકોને સારવાર માટે વિવિધ હૉસ્પિટલ્સમાં દાખલ કરાયા છે.
અસરગ્રસ્ત વિસ્તારમાં અનેક લોકો ફસાયા હોવાની પણ શક્યતા છે. અહીં પૂરના કારણે અનેક ઘર અને વાહનને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા સશસ્ત્ર દળ પાસેથી મદદ માગી છે.
કોઝિકોડ અને કન્નૂરથી સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. બેંગલુરુ અને તામિલનાડુના અરાકોણમથી NDRFની વધુ ટુકડીઓ આજે વાયનાડ પહોંચે તેવી સંભાવના છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.સામાજિક માધ્યમના એક સંદેશમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, NDRFની ટુકડી અસરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકનાં પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50—50 હજાર રૂપિયાના વળતરની સહાય આપવાની જાહેરાત કરી છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે પણ વાત કરી તમામ સહાય પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
Site Admin | જુલાઇ 30, 2024 2:25 પી એમ(PM) | ભારે વરસાદ
કેરળમાં ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લાના મુંડક્કઈ, અટ્ટમાલા અને ચૂરામલા વિસ્તારમાં તારાજી સર્જાઈ
