કેરળની વાયનાડ બેઠકની પેટા ચૂંટણી માટે આજે કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉમેદવારી પત્ર ભરશે. આ પૂર્વે તેમણે કાલપેટ્ટામાં રોડ શૉ અને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ – એમ બંને બેઠક પરથી જીતી જતા તેમણે વાયનાડ બેઠક જતી કરી હતી. જેની ઉપર હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.
આ તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે ઝારખંડ મુક્તિ મોર્ચા – JMM અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. JMM એ 35 સભ્યોની જ્યારે RJDએ છ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેન બરહેત બેઠક પરથી જ્યારે સ્પીકર રબિન્દ્રનાથ મહતો નાલા બેઠક પરથી ચૂંટણી લડશે. કલ્પના સોરેનને ગાન્ડેય બેઠક ફાળવવામાં આવી છે.
તો મહારાષ્ટ્રમાં ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ થયાના પ્રથમ દિવસે 57 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. મહારાષ્ટ્રમાં 29 ઑક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 30 ઑક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. અને 4 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં રાજ્યાની તમામ 288 બેઠકો માટે મતદાન થશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 2:17 પી એમ(PM) | ચૂંટણી