વાયનાડમાં મંગળવારે સર્જાયેલી ભુસ્ખલનની ઘટનાનો મૃત્યુઆંક વધીને 300ને પાર થયો છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં 308 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. જિલ્લામાં 91 રાહત શિબિરોમાં 7 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. કેરળની અત્યાર સુધીની આ સૌથી મોટી પ્રાકૃતિક આપત્તિનાં ચોથા દિવસે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. લશ્કરનાં જવાનો અને પોલિસ કર્મચારીઓ તથા રાહત અને બચાવ દળની ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં માટી, ખડકો, પથ્થરો અને ઉખડી ગયેલા વૃક્ષોના અનેક સ્તરો વચ્ચે કાટમાળમાંથી મૃતદેહો શોધીને બહાર કાઢી રહ્યા છે. આ અભિયાનમાં લશ્કરના સ્નિફર ડોગ્સ અને પોલિસની પણ મદદ લેવામાં આવી છે. ચુરલમાલા, વેલ્લારીમાલ, મુંડકાઇલ અને પુંચિરીમાડોમ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. 190 ફુટનાં બેલી બ્રિજનાં નિર્માણ બાદ ચુરલમાલા અને મુંડકાઇલ વચ્ચે સંપર્ક પૂર્વવત થઈ ગયો છે.દરમિયાન, ભારતીય વાયુસેના એક સાથે વાયનાડ, કેરળ અને ઉત્તરાખંડની પહાડીઓમાં માનવતાવાદી સહાય અને રાહત કામગીરી કરી રહી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 1:51 પી એમ(PM) | કેરળ