કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન હોનારતનો મૃત્યુઆંક 200થી વધુ થયો છે. સૈન્ય, NDRF તેમજ SDRFની ટુકડીઓએ સાથે મળીને અંદાજે એક હજારથી વધુ લોકોને બચાવ્યા છે.
અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે વાયનાડ જિલ્લાના ચુરામાલા અને મુંડાકઈમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. બચાવ ટુકડીઓએ આજે વધુ કેટલાક મૃતદેહો બહાર કાઢ્યા હતા. જોકે હજી પણ 190થી વધુ લોકો ગૂમ છે, જેને પગલે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર અંદાજે 190 લોકો જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અંદાજે 3000 જેટલા નાગરિકોએ વાયનાડમાં ઉભી કરાયેલ રાહત શિબિરોમાં શરણ લીધી છે.
રાહત અને બચાવકાર્ય ઝડપી બનાવવા સૈન્યએ મુંડાકઈમાં બ્રીજનું નિર્માણ કર્યું છે. રાજ્ય સરકારે સ્થાનિક લોકોને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવા સલાહ આપી છે. દરમિયાન મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેરળ સરકારને ગત 23 તારીખે વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખન અંગે ચેતવણી અપાઈ હતી, ત્યાર બાદ 24 અને 25 જુલાઈના રોજ પણ આગાહી વિશે જાણ કરાઈ હતી.
રાજ્યસભામાં વાયનાડ હોનારત વિશે વાત કરતા શ્રી શાહે જણાવ્યું કે 26મી જુલાઈએ ફરી 20 સેન્ટિમીટરથી કરતા વધુ વરસાદ, ભૂસ્ખલન, કાદવ પ્રવાહ અને જાનહાની વિશે ચેતવણી આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, નવ જેટલી રાષ્ટ્રીય આફત બચાવ ટુકડીઓ હોનારત પહેલાં જ કેરળ મોકલવામાં આવી હતી, આમ છતાં કેરળ સરકારે પીડિતોને ઉગારવામાં વિલંબ કર્યો.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જો રાજ્ય સકકારે NDRF ટુકડીઓના આગમનને લઈને સતર્કતા દાખવી હોત, વાયનાડમાં જાનહાની ઓછી કરી શકાઈ હોત. વધુમાં શ્રી શાહે જણાવ્યું કે ભારત વિશ્વના એ ચાર દેશોમાં સામેલ છે, જે કુદરતી આફતોની આગાહી સાત દિવસ પૂર્વે કરવા માટે સક્ષમ છે. આ પૂર્વે ઓડિશા અને ગુજરાત સહિતના રાજ્યોએ આ પ્રણાલીનો ઉપયોગ કરીને જાનમાલના નુકસાનને અટકાવ્યું હતું.
શ્રી શાહે કહ્યું કે આ આફતના સમયમાં મોદી સરકાર કેરળ સરકાર સાથે અડગ ઉભી છે.
FM ON BUDGET
Site Admin | જુલાઇ 31, 2024 8:08 પી એમ(PM) | Kerala | Waynad