કેન્દ્ર સરકાર પહેલી જાન્યુઆરી, 2025થી વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે. આ અંતર્ગત ભારતનાં એક કરોડ 80 લાખ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓને વિશ્વની ટોચની રિસર્ચ જર્નલ સરળતાથી નિઃશુલ્ક મળી શકશે. આ પહેલનો હેતુ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શોધને વધુને વધુ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ સુધી પહોંચાડવાનો છે.
આ પહેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ, મેડિકલ, ગણિત, મેનેજમેન્ટ, સામાજિક વિજ્ઞાન જેવાં વિષયો પર આધારિત 13 હજાર 400થી વધુ આંતરરાષ્ટ્રીય જર્નલ ઉપલબ્ધ કરાવાશે.
આ પહેલ 6 હજાર 380 શિક્ષણ સંસ્થાઓ માટે લાભકર્તા છે, જેમાં 451 યુનિવર્સિટી, 4 હજાર 864 કોલેજ અને IIT, NIIT જેવી 172 રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ અભય કરાડીકરે જણાવ્યું કે, આ સુવિધા ત્રણ વર્ષ સુધી અપાશે.બીજા તબક્કામાં ખાનગી શિક્ષણ સંસ્થાઓને જાહેર-ખાનગી ભાગીદારી મોડલ દ્વારા આવરી લેવાશે.