આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે.
દરમ્યાન, સુશ્રી સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપીનો વૃધ્ધિ દર 6.5 ટકાથી સાત ટકાનો અંદાજવામાં આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક વૃધ્ધિનાં ચાલક બળોએ ભારતની આર્થિક વૃધ્ધિને ટેકો આપ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 4.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 4.1 ટકા ફુગાવો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સર્વેમાં જણાવ્યા પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી અને નૈઋત્યના ચોમાસાનાં સંતોષજનક વ્યાપને પગલે કૃષિ ક્ષેત્રનો દેખાવ સુધરવાની અને ગ્રામીણ માગમાં વધારો થવાની સંભાવના છે.
દરમિયાન, મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારત માટે વર્ષ 2024-25માં જીડીપીમાં સાત ટકા વૃધ્ધિ દર હાંસલ કરવો શક્ય છે.તેમણે જણાવ્યું કે, અર્થતંત્રમાં વૃધ્ધિમાં વેગ જોવા મળાયો છે. આગામી વર્ષમાં કૃષિ ક્ષેત્ર સારી કામગીરી કરે તેવી સંભાવના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્રીય બજેટ આગામી પાંચ વર્ષની સફરની દિશા નિર્ધારિત કરશે અને 2047માં વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો પાયો નાખશે.
આજે સંસદની બહાર માધ્યમોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં લોકોએ પોતાનો ચુકાદો આપ્યો છે અને હવે આગામી પાંચ વર્ષ માટે તમામ રાજકીય પક્ષોએ દેશ માટે એક રહેવું પડશે
Site Admin | જુલાઇ 22, 2024 7:27 પી એમ(PM) | સંસદ