કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે.
નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ વેરો નહીં લાગે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરતાં પગારદાર વ્યક્તિની કુલ 12 લાખ 75000 સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નહીં લાગે.
નવી કર પ્રણાલિ હેઠળ આવકવેરાનાં નવા સ્લેબ દાખલ કરાયા છે, જે મુજબ 4 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નહીં લાગે. 4 લાખથી 8 લાખ રૂપિયાની આવક પર 5 ટકા અને 24 લાખથી ઉપરની આવક પર મહત્તમ 30 ટકા લેખે ટેક્સ લાગશે. તેમણે કરમાળખા સુધારાને વિક્સિત ભારતનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વનો સુધારો ગણાવ્યો હતો.
વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની મહત્વની જાહેરાતો કરાઇ છે.
નાણા મંત્રીએ જણાવ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા
3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
બજેટમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષનાં એકમો-MSME માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ માટે ક્રેડિટ ગેરન્ટી કવર 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
આરોગ્ય ક્ષેત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશનાં તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે-કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, જળ જીવન મિશનને 2028 સુધી લંબાવવાની,
1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની, કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં 10,000 વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય અંદાજપત્રમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ ગઈ કાલે જાહેરાતો કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 2, 2025 8:06 એ એમ (AM)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી
