કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કને આગામી ટૂંક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે.
શ્રી શાહે જણાવ્યું કે આજના દિવસમાં 919 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમર્હૂત અને લોકાર્પણ કરાયું. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં આ લોકસભા વિસ્તારમાં 23 હજાર, 951 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 14 હજાર કરોડની વધુ વિકાસ કામોની ભેટ આપવામાં આવી. આ પ્રસંગે તેમણે વિકાસની દ્રષ્ટિએ ગાંધીનગર દેશમાં ટોચનો મત વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મહાનગરપાલિકના આગેવાનો તેમજ વરિષ્ઠ અધિકારીઓ સહિત સામાન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલા ગઈકાલે રાતે કેન્દ્રીય મંત્રીએ સમસ્ત પરિવાર સાથે તેમના વતન માણસા ખાતે બહુચર માતાના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:35 પી એમ(PM)