કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની રાજ્યની મુલાકાતે છે. ત્યારે હાલ તેઓ તેમના મત વિસ્તારમાં માણસામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અમિત શાહ આજે માણસા સર્કિટ હાઉસ, ગોલથરા ખાતે સગર્ભાઓને લાડુનું વિતરણ કરશે, તેઓ કલોલના નારદીપુરમાં રામજીમંદિરમાં સાધનોનું વિતરણ કરશે. અમિત શાહ કલોલ-સાણંદ રોડનું ખાતમુહુર્ત કરશે તેમજ સઇજ ખાતેના ઓવરબ્રિજ સહિતના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
જ્યારે 16મી જાન્યુઆરીના રોજ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે. જ્યાં તેઓ અનંત અનાદિ વડનગર કાર્યક્રમ અંતર્ગત વડનગર ખાતે 298 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, 72 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.
તેમજ વડનગર ખાતે હેરીટેજ પ્રિન્સિંક્ડ ડેવલોપમેન્ટ સ્કીમ-ફસાડ, અર્બન રોડ ડેવલોપમેન્ટ તેમજ બ્યુટીફિકેશનના કાર્યોનું અવલોકન અને મુલાકાત પણ કરવાના છે. તેઓ હાટકેશ્વર મંદિરની મુલાકાત લઈને પૂજા અર્ચના કરશે. તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓને મળશે.