કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. જાહેર ખાનગી ભાગીદારીથી નિર્માણ પામેલો આ પ્લાન્ટ 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આની મદદથી એક હજાર મેટ્રિક ટન ઘન કચરામાંથી દરરોજ 15 મેગાવૉટ વીજળી ઉત્પન્ન થશે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, ગુજરાત સરકાર અને જીંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની વચ્ચેની સંયુક્ત ભાગીદારીમાં નિર્મિત થયેલો આ પ્લાન્ટ ગુજરાતનો પહેલો વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ છે.
દરમિયાન ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ટ્રસ્ટ સંચાલિત અને સરકારી ગ્રંથાલયના ગ્રંથપાલો સાથે સંવાદસાધ્યો હતો.શ્રી શાહે ઉપસ્થિત સૌને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા નૂતન વર્ષમાં ૩૦ ટકા વાચકોનો વધારો થાય તેવો સામૂહિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. બાળકો, કિશોરો અને યુવાનોમાં વાંચનની ભૂખ વધે તે દિશામાં પ્રયાસો કરવા અને તે માટે તમામ પ્રકારના સહયોગની ખાતરી પણ શ્રી શાહે ઉચ્ચારી હતી.