કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું. શ્રી શાહે માણસા ખાતે 244 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર સિવિલ હૉસ્પિટલ તેમજ 85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાનથી તેની શરૂઆત કરી, પ્રત્યેક ઘરમાં શૌચાલય બનાવ્યા, યુવાનોને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા તેમજ આરોગ્ય માળખામાં મોટા પાયે ફેરફારો કર્યા. તેમણે આવતા વર્ષ સુધીમાં માણસામાં મેડિકલ કૉલેજ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
શ્રી શાહે આ પ્રસંગે 17 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવ પથને ખુલ્લો મૂક્યો હતો. આ પહેલા અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેન્ક ADC બેન્કના 100મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત સમારોહમાં શ્રી શાહે જણાવ્યું હતું કે દેશનાં આર્થિક વિકાસમાં સહકારી તંત્ર ખુબજ આગવી ઓળખ ઉભી કરશે. ગુજરાતમાં અમુલ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરના વિકાસમાં ADC બેન્કનો સિંહ ફાળો છે. અગાઉ ગાંધીનગર અડાલજ ખાતે હિરામણી આરોગ્યધામ ડેકેર હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતાં શ્રી શાહે આગામી દસ વર્ષમાં દેશમાં વધુ 75 હજાર તબીબી બેઠકો વધારવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી.