માં અંબાની ભક્તિ, શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માતાનાં ગરબાને રંગાવીને ઘરે સ્થાપન કરશે. તો કેટલાક લોકો ઉપવાસ, અનુષ્ઠાન, વ્રત અને તેલા કરીને માતાજીને રીઝવશે. નવ યુવાનો નવે નવ દિવસ શણગાર સજીને ગરબે ઘૂમશે… અને હિલોળે ચડશે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીના ગરબા માટે વિવિધ આયોજનો થયાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસનમંત્રી મુળુ બેરા તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. તમામ નવ રાત્રીએ રાજ્યના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો મહોત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત નવરાત્રી મહોત્સવમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજે 11 લાખથી વધુ લોકોએ, જ્યારે 2023માં 12 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 9:03 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #AmitShah #akashvaninews | #GMDC | Gujarat | India