મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનાં ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે મંત્રણા ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના-શિંદે જૂથ અને એનસીપી-અજીત પવાર જૂથનો સમાવેશ થાય છે.
શ્રી શાહ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ તથા અજીત પવાર સાથે બેઠક કરશે.
શ્રી શાહ બેઠક વહેંચણી અંગેની વાટાઘાટનો તાગ મેળવવા માટે નાગપુર, છત્રપતિ સંભાજીનગર, નાસિક અને કોલ્હાપુરની મુલાકાત લેશે. ભારતીય જનતા પાર્ટી 12મી ઓક્ટોબરે-દશેરાની આસપાસ 60થી 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવા માટે આતુર છે. શિવસેના અને એનસીપી પણ આ જ સમયગાળામાં પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરવા માંગે છે.
વિધાનસભા ચૂંટણી નવેમ્બરનાં બીજા સપ્તાહમાં યોજાવાની સંભાવના અંગે મુખ્યમંત્રી શિંદેનાં તાજેતરનાં નિવેદનને પગલે શ્રી શાહની મહારાષ્ટ્રની મુલાકાત મહત્વની મનાય છે. ચૂંટણી પંચ 10 ઓક્ટોબરની આસપાસ ચૂંટણીનું સમયપત્રક જાહેર કરે તેવી સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 2:45 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી