ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે.
દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 10મીથી 14મી જાન્યુઆરી સુધીમાં 137 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 125 જેટલા પક્ષીઓને નવજીવન મળ્યું હતું. જ્યારે 12 પક્ષીઓના મૃત્યુ થયા હતા. વઢવાણ ખાતે શરૂ કરાયેલા સારવાર કેન્દ્રની મુલાકાત લેતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને નજીકના સારવાર કેન્દ્ર પર પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
પાટણ જિલ્લાનાં અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, પાટણમાં ચાઈનીઝ દોરીથી ઘવાઈને મૃત્યુ પામેલા પક્ષીઓની અંતિમયાત્રા નિકળી હતી. પાટણના જીવદયાપ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓ ઉપર અબીલ ગુલાલ છાંટીને તેમજ ફૂલહાર કરીને ધાર્મિક વિધિ સાથે અંતિમયાત્રાનું આયોજન કરાયું હતું.પાટણમાં આજે બપોર સુધીમાં 30 જેટલા પક્ષીઓ ઘાયલ થઈને મૃત્યુને પામ્યા.