ઓડિશામાં આવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું દાના નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ઉત્તર ઓડિશાને પાર કરશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગંભીર ચક્રવાત દાના ગઈ રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ધામરા વચ્ચે જમીન પર પ્રવેશ્યું હતું. જેના કારણે ઓડિશાના કેન્દ્રાપાડા, ભદ્રક અને બાલાસોર જિલ્લાના ઘણા ભાગોમાં ભારે પવન અને વરસાદ થયો હતો. વાવાઝોડીની અસરથી મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજળીનાં થાંભલા ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો જે આજે સાંજ સુધીમાં યથાવત
થવાની શક્યતા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આજે સવારે ભુવનેશ્વરમાં ચક્રવાત પછીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને વાવાઝોડાંથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને તેનો અહેવાલ વહેલી તકે સુપરત કરવા જણાવ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આજે બાલાસોર, ભદ્રક અને મયુરભંજ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યારે કેન્દ્રાપાડા,
કેઓંઝર, ઢેંકનાલ, કટક અને જાજપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી.