ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 3:09 પી એમ(PM)

printer

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા

અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક એક લાખ 17 હજાર 257 ક્યુસેક થઈ છે, જ્યારે જળ સપાટી 135 મીટર પર સ્થિર થઈ છે.
ડેમના 9 દરવાજામાંથી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી બંને કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરવામાં આવ્યા છે.
અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, જિલ્લામાં સવારથી વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય વિસ્તારના લો લેવલ કૉઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર થઈ ગઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 8 દરવાજા ચાર ફૂટ ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.
અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે ચાર કલાકમાં ખેરગામ તાલુકામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારે છથી બપોરનાં 12 સુધીમાં ગણદેવી, નવસારી અને ચીખલી તાલુકામાં આશરે દોઢ ઇંચ વરસાદ પડ઼્યો છે.
અમારા છોટેઉદેપુર જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. ખેતીલાયક વરસાદ વરસતા કપાસ, તુવેર, સોયાબીન, મકાઈ જેવા પાકોનો સારી રીતે ઉછેર થયો છે.
ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ઓરસંગ, કરા, સાંપન, અશ્વિનમાં પાણી વહી રહ્યું છે. કવાંટ વિસ્તારમાં સારો વરસાદ વરસતા રાજવાસણા ડેમ છલકાઈ ગયો છે. હેરણ નદીમાં નવા નીર આવતા નદી બીજી વાર બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.
અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે, વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મહેસાણા. ખેરાલુ, કડી સહિતનાં તાલુકાઓ માં વરસાદ પડયો છે.
અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, દાંતીવાડા,વડગામ, પાલનપુર, ડીસામાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. જિલ્લાના 14 તાલુકા માંથી 5 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં રાજસ્થાનમાં વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના ઉમરાળામાં એક ઇંચ ,ઘોઘામાં પોણો ઇંચ, ગારીયાધાર, પાલીતાણા અને ભાવનગર શહેરમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ