ઉત્તર પ્રદેશ સરકારે સંભલમાં હિંસાની તાજેતરની ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે જેમાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની સમિતિને આ મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી અમિત મોહન પ્રસાદ અને ભૂતપૂર્વ IPS અધિકારી અરવિંદ કુમાર જૈન છે. કમિટીને બે મહિનામાં તેનો રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના કરવાનો આદેશ અપાયો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જામા મસ્જિદ વિરૂધ્ધ હરિહર મંદિર વિવાદમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેક્ષણના આદેશના અમલ દરમિયાન 24 નવેમ્બરે થયેલી હિંસાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું કે સામાન્ય અપરાધિક ઘટના હતી તેની તપાસ કરવામાં આવે.
દરમિયાન, સુપ્રીમ કોર્ટ આજે જિલ્લા અદાલતના 19 નવેમ્બરના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરશે, જેમાં સંભલમાં વિવાદિત સ્થળનો સર્વે હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ જામા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.
Site Admin | નવેમ્બર 29, 2024 9:58 એ એમ (AM)