ઉત્તર પ્રદેશમાં, ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ અધિકારીઓના આગમનને પગલે બહરાઇચમાં હિંસાની સ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વ્યક્તિગત રીતે રાજ્ય પોલીસ વડા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ સાથે વાત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવા અને રીયલ-ટાઇમ અપડેટ્સ પ્રદાન કરવા સૂચના આપી હતી. તેમણે તોફાનીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. દરમિયાન, પોલીસ અને વહીવટી ટીમોએ તોફાની તત્વોને પકડવા શોધખોળ શરૂ કરી છે.
સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા 4 IPS અધિકારી, 2 ASP અને 4 ડેપ્યુટી એસપી, PACની 12, CRPFની 2 અને RAFની એક કંપની તૈનાત છે, રેન્જ અને ઝોન અધિકારીઓ ઘટના સ્થળે પહેલેથી જ હાજર છે. નજીકના વિસ્તારોમાંથી પોલીસ દળ પણ રવાના કરાયું હતું. બહરાઇચમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા દળોએ શેરીઓમાં સંપૂર્ણ શોધખોળ અભિયાન ચલાવ્યું હતું. રાજ્ય પોલીસ વડા પ્રશાંત કુમારે જણાવ્યું કે બહરાઈચમાં સ્થિતિ હાલમાં શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. આ ઘટનામાં સામેલ 10 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે.
ડીજીપીએ સ્થાનિક રહેવાસીઓને અફવાઓ અને ખોટી માહિતી સામે સતર્ક રહેવા અપીલ કરી હતી. દરમિયાન, રવિવારે અસામાજિક તત્વો દ્વારા ગોળી મારીને હત્યા કરાયેલા રામ ગોપાલ મિશ્રાના પરિવારના સભ્યો આજે લખનૌમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળે તેવી શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:38 પી એમ(PM)