ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 10 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જ્યારે 37થી વધુ લોકોને ઈજા થવા પામી હતી. ઘાયલોને નજીકના હૉસ્પિટલોમાં જ્યારે 4 ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને મેરઠની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતોને તાત્કાલિક સારવાર આપવા માટે અધિકારીઓને નિર્દેશ કર્યા હતા.
બુલંદશહરના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, ગાઝિયાબાદની એક બ્રેડ કંપનીમાં કામ કરતા કામદારો રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવા, ગાઝિયાબાદથી પીકઅપ ટ્રકમાં અલીગઢ જિલ્લાના રાયપુર ગામ જઈ રહ્યા હતા. જ્યારે એક ખાનગી બસ બુલંદશહર તરફ જઈ રહી હતી, દરમિયાન બંને વચ્ચે આ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.