ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. દરમિયાન SDRF, NDRF, DDRF, પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં 2 હજાર લોકોને બચાવ્યા છે. જેમાં 425 જેટલા લોકોને ભિમબાલી, રામબાડા અને લિંચોલીમાંથી એર લિફ્ટ કરાયા હતા, જ્યારે અગિયારસો જેટલા લોકોને સોનપ્રયાગ અને ભિમબાલી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા.
વાયુ દળ દ્વારા બચાવ કામગીરીમાં ચિનુક અને MI-17 હેલિકોપ્ટર તેમજ ત્રણ જેટલી ATF ટેન્ક જોડવામાં આવી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, તેમજ રાહત શિબિરોમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે જુદી જુદી ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 8ને ગંભીર રીતે ઈજા થવા પામી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ આફતની સ્થિતિ પર નજર બનાવી રાખી છે. પ્રધાનમંત્રી કાર્યલયે આ વિશે પળેપળની માહિતી મેળવી રહ્યું છે. અને રાજ્ય સરકારને શક્ય તમામ મદદ માટેની બાહેંધરી આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 10:47 એ એમ (AM) | India | kedarnath