ઇઝરાયેલ સરકારે લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી મળ્યા બાદ આજથી તેનો અમલ શરૂ થઇ ગયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે ગઈકાલે રાત્રે આ જાહેરાત કરી હતી અને ફ્રાન્સની મધ્યસ્થથી થયેલી આ સમજૂતીથી યુદ્ધ અટકે તેવી શક્યતા છે.
આ યુદ્ધમાં લેબનોનમાં અંદાજે ત્રણ હજાર આઠસો લોકો માર્યા ગયા છે અને 16 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ કેબિનેટની મંજૂરી બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કરારના અમલીકરણ અને સંપૂર્ણ પાલનની ખાતરી કરવા માટે તેઓ ઇઝરાયેલ અને લેબનોન સાથે કામ કરવાનું વચન આપ્યું હતું.
સમજૂતી અનુસાર, ઇઝરાયેલી દળો અને હિઝબુલ્લાએ આગામી 60 દિવસમાં દક્ષિણ લેબનોનમાંથી પીછેહઠ કરવી પડશે. લેબનોનના વિદેશ મંત્રીએ પહેલાથી જ આ કરારને સમર્થન આપ્યું છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હિઝબોલ્લાહ દ્વારા યુદ્ધવિરામ કરારના કોઈપણ ઉલ્લંઘન સામે તાત્કાલિક પગલાં લેવાની ચેતવણી આપી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 2:25 પી એમ(PM) | કરાર