આસામમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્યના 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત બન્યાં છે. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ પૂરગ્રસ્ત મોરીગાંવ જિલ્લાની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી.
રાજ્યપાલે પણ પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી અને અસરગ્રસ્ત લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ આ જિલ્લાઓમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માજુલી, ધેમાજી અને લખીમપુરની મુલાકાત લીધી હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન પૂરને કારણે વધુ 6 લોકોનાં મોત થયાં, જેનાથી આંકડો 52 પર પહોંચ્યો. પૂરથી પ્રભાવિત 107 મહેસૂલી વર્તુળોના 3,200થી વધુ ગામો અને રાજ્યભરમાં 57,000 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે.
Site Admin | જુલાઇ 5, 2024 10:11 એ એમ (AM) | newsupdate | topnews