આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ એક આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. રાજ્યમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એમ 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે ‘સિકલ સેલ એનિમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવા ઉપરાંત, લગ્ન પહેલા જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ પર પણ ભાર મૂક્યો છે. સાથે જ, રાજ્ય સરકારે આ રોગ માટે મોટા પાયે જાગૃતિ અભિયાન અને કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. એટલું જ નહીં, પરંતુ સિકલ સેલ કાઉન્સેલર દ્વારા આદિજાતિ જિલ્લાઓમાં રહેતા લોકોમાં આ રોગનું નિદાન કરવામાં આવે છે, જેથી આવનારી પેઢીમાં આ વારસાગત રોગને ફેલાતો અટકાવી શકાય.
પ્રધાનમંત્રીનું 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવાનું લક્ષ્ય છે.
Site Admin | જૂન 18, 2024 4:37 પી એમ(PM) | વિશ્વ સિકલ સેલ દિવસ