રાજ્યમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. વર્ષ 2001માં સાતમી ઑક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકોમાં ઉજાગર કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે. આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા, યુવા વર્ગની સહભાગિતા અંગે શાળા-કૉલેજમાં નિબંધ સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમ યોજાશે. દરમિયાન 3 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. ‘રાજ્યના 23 જેટલા પ્રતિકાત્મક સ્થળ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે. તેમજ ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસનની પહેલો અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે.