આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે. ભગવાન શિવની આરાઘના માટે આ મહિનો ઉત્તમ ગણાય છે.. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રૂદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા સેવા શરૂ કરી છે.
આ સેવા અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થયેલા બિલ્વપત્ર ભક્તોને ટપાલ મારફતે મોકલવામાં આવશે. ભક્તો ક્યૂઆર કોડ તથા ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને બિલ્વપૂજાની નોંધણી ઘરે બેઠા કરાવી શકશે. ગત શ્રાવણ માસમાં દેશભરમાંથી અઢી લાખથી વધુ ભક્તોએ બિલ્વપૂજા માટે નોંધણી કરાવી હતી.
ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શ્રાવણ માસ દરમિયાન “નો પાર્કિંગ ઝોન” અને “વન-વે” માર્ગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર, ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને ત્યાંથી ત્રિવેણી રોડને “નો-પાર્કિંગ ઝોન” જાહેર કર્યો છે. આ જાહેરનામું આવતીકાલથી 3 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં શ્રાવણ માસની ઉજવણી સંદર્ભે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.. ભાવનગરના તખ્તેશ્વર મંદિર ઉપરાંત શહેરના નાના- મોટા અનેક શિવાલયોમાં આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ ચારેય પ્રહરની મહાઆરતી, પૂજન-અર્ચન, જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરૂદ્ર, શિવજીની આરાધના તથા ભજન, કિર્તન, સત્સંગ, સંતવાણી અને લોકડાયરાઓ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.