શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ પ્રસંગે આજે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર ગઇ કાલે રાત્રે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
અમારા જુનાગઢના પ્રતિનિધી જણાવે છે કે, દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ધાર્મિક કથા મુજબ ભક્ત નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાદ્ધ દામોદર કુંડ ખાતે કરવામાં આવ્યું હતું જેને કારણે અહીં પિતૃ તર્પણ નું વિશેષ મહત્વ રહ્યું છે.
અમારા પંચમહાલના પ્રતિનિધી જણાવે છે કે, ગોધરામાં મેસરી નદીના કિનારે આવેલા ગણપતિ તથા મહાદેવના મંદિર ખાતે વસંતભાઈ શાસ્ત્રી સહિતનાં ભૂદેવો દ્વારા વર્ષોથી પાર્થિવ પૂર્જા થાય છે.
શ્રાવણ માસમાં કાળી ચીકણી માટીમાંથી નાના નાના 4200 શિવલિંગ તૈયાર કરી એક મોટું સ્વરૂપ બનાવવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સવા લાખ પાર્થેશ્ચર પૂજાની પરંપરા હજુ પણ યથાવત છે.
અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ભાવનગર નજીકના કોળીયાક ખાતે ભાદરવી અમાસના ભાતીગળ લોકમેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. દેશભરનાં લાખો શ્રધ્ધાળુઓએ કોળીયાકના નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂજન અર્ચન કરી અમાસનું પવિત્ર સ્નાન કર્યું હતું. ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાતીગળ લોકમેળો યોજાશે. આ ઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. જયાં ભાવિકો પરિવારજનો સાથે પવિત્ર સ્નાન અને લોકમેળાની મોજ માણવા ઉમટી પડશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2024 3:36 પી એમ(PM) | શ્રાવણ | સોમનાથ