આજે વિશ્વ આદિવાસી દિવસ છે. રાજયમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં ૧૪ જિલ્લાઓમાં ૯૦ લાખ જેટલા આદિવાસીઓ વસવાટ કરે છે. આજે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો.
મુખ્યમંત્રીના હસ્તે રાજ્યમાં કુલ ૧૦૧૪ કરોડનાં લોકાર્પણ-ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ૪૧૧કરોડ ૩૭ લાખ રૂપિયાનાં બે હજાર 240 કામોનું ખાતમુહર્ત તથા ૬૦૨ કરોડ ૭૮ લાખ રૂપિયાનાં કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતુંકે રાજ્યમાં થયેલા વિકાસને પગલે આજે આદિજાતિ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગનું શિક્ષણ લઈ રહ્યા છે. રાજ્યમાં આદિવાસીઓની સૌથી વધુ વસતિ ધરાવતા ડાંગ જિલ્લાના આહવા ખાતે રાજ્યના કૃષિ, અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા માટે કુલ ૭૪.૯૫ કરોડ રૂપિયાના ૮ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, અને ૧૦.૨૫ કરોડ રૂપિયાનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આદિવાસીઓની 74 ટકા વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમમાં નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા. ભીલોડાના શામળાજી ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.
સુરતમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ માંડવીમાં ભગવાન બીરસામુંડાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં દાંતા ખાતે અને પંચમહાલ જિલ્લાનાં મોરવા હડફમાં રાજ્યના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં, તાપી જિલ્લામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.
પાટણમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપળા ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના વાંસદામાં રાજયકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત વલસાડમાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 7:42 પી એમ(PM) | વિશ્વ આદિવાસી દિવસ