આજે 3 ઓગસ્ટ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્ય અંગદાન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૩માં અંગદાતાઓની સંખ્યામાં ૧૨૮ ટકા અને અંગોના દાનમાં ૧૭૬ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1654 અંગનું દાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે 2022 થી જુલાઇ 2024 એટલે કે અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે.
દિલ્હી ખાતે આજે નેશનલ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન-NOTTO દ્વારા આયોજિત કાર્યક્રમમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુજરાતની પાંચ વ્યક્તિ અને સંસ્થાનું સન્માન કરવામાં આવશે.
આ અંતર્ગત “ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી” માટે I.K.R.D.C.ના ડાયરેકટર ડોક્ટર પ્રાંજલ મોદી, શ્રેષ્ઠ રીટ્રાઇવલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી માટે સુરત સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ કો-ઓર્ડિનેટર માટે સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કેતન નાયક અને શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા માટે ડોનેટ લાઇફ સંસ્થાનું બહુમાન કરાશે.
Site Admin | ઓગસ્ટ 3, 2024 10:18 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | અંગદાન | અંગદાન દિવસ | ગુજરાત | ભારત