આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસ છે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રી દેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે.
ઝાલાવાડના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ગઇ કાલે હવાનાષ્ટમી નિમિત્તે ડુંગર ઉપર હવનનું આયોજન થયું હતું. મહંત પરિવાર દ્વારા આયોજિત હવનમાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી હવન કરાવ્યો હતો. બીડું હોમાયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અષ્ટમી નિમિત્તે ભક્તોએ મોટી સંખ્યામાં માતા ચામુંડાના દર્શન કર્યા હતા.
કચ્છના પ્રસિદ્ધ માતાના મઢ ખાતે મંદિરની યજ્ઞશાળા ખાતે મઢ જાગીરના અધ્યક્ષ યોગેન્દ્ર સિંહજી રાજા બાવાના હસ્તે હવન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ પરિવાર સહિત મંદિરના ટ્રસ્ટી તથા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 11, 2024 8:04 એ એમ (AM) | નવરાત્રિ