આજે છઠું નોરતુ છે. આજે માં કાત્યાયની દેવીની આરાધના કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનીને સર્વ પ્રથમ તેમની ઉપાસના કરી હોવાથી તેમનું નામ કાત્યાયની છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજાથી ધર્મ અર્થ કામ – મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભય અને કષ્ટોનો નાશ થાય છે.
રાજ્યનાં ગામે ગામ આધુનિક રીતે નવરાત્રિનાં ગરબા થઈ રહ્યા છે ત્યારે અનેક સ્થળોએ માઇક કે સ્પીકર જેવા વીજાણુ સાધનો વગર માત્ર ઢોલ દ્વારા ગરબા ગવાય છે. ત્યારે એક ગામ એવું છે જ્યાં ગરબા નથી થતાં. મહેસાણાનાં મેવડ ગામમાં નવરાત્રિ મહોત્સવ યોજાતો નથી. આ ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબા નથી થતાં પણ નવ દિવસ ભવાઈનું આયોજન થાય છે. રાત્રે ગામનાં ચોકમાં ભવાઇ ભજવાય છે.
લોકો નવ દિવસ નવરાત્રીમાં ગરબા રમી ને આનંદ લઈ રહ્યા છે ત્યારે મેવડ ગામના લોકો નવ દિવસ ભવાઈના વેશ જોઈને આનંદ માણે છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડાના પરા બજારમાં મહાલક્ષ્મી ચોકમાં આવેલા લક્ષ્મી માતાજીનું મંદિરમાં પરંપરાગત રીતે ગરબા થાય છે. માતાજીની આરતી અને સ્તુતિ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ એક બહેન માતાજીના પાંચ પૌરાણિક ગરબા કોઈ પણ પ્રકારના સંગીત વગર ગવડાવે છે અને ગરબે ગુમતી બહેનો અને ભાઈઓ આ ગરબા ઝીલે છે. પાંચ ગરબા પૂર્ણ થયા બાદ સંગીતના તાલે રાસ ગરબા રમીને ભક્તિભાવથી ઉત્સાહ ભેર આદ્યશક્તિ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 10:47 એ એમ (AM) | નવરાત્રિ