આજના ચોથી જાન્યુઆરીના દિવસને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો માટે સંદેશા વ્યવહારના સાધન તરીકે બ્રેઈલના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે.
વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રેઈલ પ્રણાલિના વિચારક લુઈસ બ્રેઈલની જયંતી નિમિત્તે ચાર જાન્યુઆરીને વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ અને આંશિક દ્રષ્ટિ ધરાવતા લોકો પુસ્તકો અને પત્રિકાઓ વગેરે વાંચવા માટે બ્રેઈલ લિપિનો ઉપયોગ કરે છે.
આજનાં આ દિવસ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. લુઈસ બ્રેઈલનાં કાર્યોને બિરદાવીને અમદાવાદ સ્થિત અંધજન મંડળ સહિતની સંસ્થાઓમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નિષ્ણાંતો દ્વારા સાયન્ટિફિક-શો ના માધ્યમથી વિદ્યાર્થીઓને બ્રેઈલ લિપિ વિશે સમજણ આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:43 પી એમ(PM)