આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં શક્તિપીઠ ખાતે ભક્તોએ મોટી સંખ્યામાં માતાના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.દરમિયાન, જમ્મુની ત્રિકુટા પર્વત ટેકરીમાં આવેલા સુપ્રસિધ્ધ માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે આજે 50 હજારથી વધુ ભક્તોએ માતાના દર્શન કર્યા હતા. આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિ જણાવે છે કે, નવરાત્રિ દરમિયાન ભાવિકોનાં ધસારાને ધ્યાનમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કટરા રેલવે સ્ટેશન ખાતે નવા નોંધણી કાઉન્ટર્સ શરૂ કર્યા છે. વૈષ્ણોદેવી મંદિરને વિવિધ ફુલોથી શણગારવામાં આવ્યું છે. કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવાબહુ-સ્તરીય સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુમાં પણ બાવેવાલી માતા તરીકેજાણીતા માતા કાળી મંદિર ખાતે શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શક્તિ અને શ્રધ્ધાને સમર્પિત આપવિત્ર તહેવાર દરેક નાગરિક માટે શુભ સાબિત થાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:14 પી એમ(PM)