આજે પોષી પૂનમનાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ અમૃત સ્નાન સાથે થયો છે
લાખો ભક્તો, યાત્રીઓ અને મુલાકાતીઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમ ખાતે આવેલા વિવિઘ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળો 26 ફેબ્રુઆરીનાં રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે. છેલ્લા અહેવાલ પ્રમાણે 60 લાખથી વધુ ભાવિકોએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી.
મહાકુંભ માટે સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલિસે પાણીની નીચે ડ્રોન અને એઆઇ-સક્ષમ કેમેરા સહિતની આધુનિક ટેકનલોજીનો ઉપયોગ કર્યો છે. ભારતીય રેલ લાખો શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા લઈ જવા માટે 3 હજાર 300 વિશેષ ટ્રેનો સહિત 10 હજારથી વધુ ટ્રેનોનું સંચાલન કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભનાં શુભારંભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
સોશિયલ મિડીયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ મહાકુંભને ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિમાં માનતા કરોડો લોકો માટે વિશેષ દિવસ ગણાવ્યો હતો.