આગામી સાત દિવસ તાપમાનનો પારો યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યના તમામ જિલ્લાઓમાં શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ માટે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે નવેમ્બર માસના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો અનુભવ થશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેને કારણે રણપ્રદેશની ગરમી ગુજરાત સુધી આવી રહી છે. તેને કારણે તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે, તદુપરાંત આકાશમાં પણ કોઈ છુટાછવાયા વાદળો પણ નથી. જેને કારણે સૂર્યના સીધા કિરણો જમીન ઉપર પડવાથી વધુ ગરમીનો અનુભવ થાય છે જે આગામી સાત દિવસ યથાવત રહેશે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.