અમેરીકાની સર્વોચ્ચ અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાની સમીક્ષા અરજી ફગાવી તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત, પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોપગતિ રાણાના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું હતું. તેની પર વર્ષ 2008માં મુંબઈ 26-11 આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ હુમલામાં 160 લોકોના મોત નીપજ્યા હતા. તહવ્વુર રાણાનો સંબંધ કથિત રીતે આતંકી હુમલામાં મુખ્ય ષડયંત્રકારોમાંથી એક પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડૅવિડ કૉલમેન હૅડલી સાથે છે.
નીચલી અદાલતોમાં કાયદાકીય લડત હારી ગયા બાદ રાણાએ ભારતમાં પ્રત્યાર્પણ સામે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. પ્રત્યાર્પણથી બચવા તેની આ છેલ્લી તક હતી. આ પહેલા તહવ્વુર રાણા સૅન ફ્રાન્સિસ્કૉમાં નૉર્થ સર્કિટની અમેરિકાની અપીલ અદાલત સહિત અનેક ફેડરલ અદાલતોમાં કાયદાકીય લડત લડી ચૂક્યો હતો. હાલમાં 64 વર્ષીય રાણા લૉસ એન્જલસની મહાનગર અટકાયત કેન્દ્રમાં છે.