અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે. આગ વધુ ફેલાતા લોસ એન્જલસ કાઉન્ટીના લગભગ 1 લાખ 80 હજાર રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘરો અને શાળાઓ સહિત 5,300થી વધુ ઇમારતો નાશ પામ્યા હોવાની આશંકા છે.
અમેરિકની મનોરંજન રાજધાની તરીકે ઓળખાતા હોલીવુડ હિલ્સ સહિત ગીચ વિસ્તારવાળા શહેરી વિસ્તારમાં આ ભીષણ આગ લાગી છે. 17,000 એકરથી વધુ જમીનમાં લાગેલી આગને બુઝાવવા માટે અગ્નિશમાંન દળો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
કેલિફોર્નિયામાં લાગેલી વિનાશક જંગલની આગ બાદ, અમેરિકાના પ્રમુખ જો બાઈડેને જાહેરાત કરી છે કે તેમની સરકાર છ મહિના સુધી દક્ષિણ કેલિફોર્નિયામાં જીવન અને સંપત્તિના રક્ષણ માટેના પગલાંનો ખર્ચ ઉઠાવશે. આ દરમિયાન, કટોકટીના સંચાલનમાં મદદ કરવા માટે કેલિફોર્નિયાના નેશનલ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. પેરિસ હિલ્ટન, બિલી ક્રિસ્ટલ, જેમ્સ વુડ્સ, એડમ બ્રોડી, સર એન્થોની હોપકિન્સ, જોન ગુડમેન, અન્ના ફારિસ અને કેરી એલ્વેસ સહિતની હસ્તીઓએ પોતાના ઘર ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM) | લોસ એન્જલસ