પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે.
અકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિન્કન અને જી7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઇરાન અને હિજબુલ્લાહ ગમે ઘડીએ સાથે મળીને ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જોકે આ હુમલો કયા પ્રકારનો હોઈ શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ પૂર્વે બ્લિન્કને તણાવને ઓછા કરવાના પ્રયાસો માટે પોતાના જીસીસી સમકક્ષ નેતાઓ સાથે વાત કરી હતી. હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનિયે અને વરિષ્ઠ હિજબુલ્લાહ કમાન્ડર ફુસાદ શુક્રની હાલમાં થયેલી હત્યા બાદ ઇરાન, હિજબુલ્લા અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ તરફ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કેબિનેટને સંબોધન કરતા જણાવ્યું કે ઇઝરાયેલ કોઈ પણ પ્રકારનો હુમલો કરવા અને બચાવ માટે તૈયાર છે. તેમણે વર્તમાન સ્થિતિને ઇરાનના બદઇરાદાઓ સામેનું યુદ્ધ ગણાવી. તાજા સ્થિતિએ છેલ્લા દસ મહિનાથી ગાઝામાં ચાલી રહેલા તણાવમાં ઉમેરો કર્યો છે. આગામી 24થી 48 કલાક અતિ સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM) | અમેરિકા | ઇઝરાયેલ | ઇરાન