અમેરિકાના લાખો નાગરિકોએ તેમના આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિના પદ માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે. છ જુદા જુદા સમય ક્ષેત્ર પ્રમાણે અમેરિકાના વિવિધ ભાગોમાં મતદાન સંપન્ન થવાનો સમય પણ જુદો જુદો છે. કેંટુકી, ઇન્ડિયાના, સાઉથ કેરોલિના, વેરમોન્ટ, વર્જિનિયા અને જ્યોર્જિયામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ભારતીય સમય અનુસાર મતદાન પૂર્ણ થવાનો અંતિમ સમય આજે સવારે સાડા નવ વાગ્યાનો છે.
દરમિયાન કેટલાક રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક વલણમાં ફ્લોરિડા સહિત ચાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. જ્યારે વરમોંટથી કમલા હેરિસ જીતે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિનિયાએ, ફ્લોરિડાના પામ ખાતે મંડેલ રિક્રિએશન સેન્ટર ખાતે મતદાન કર્યું હતું.
આ દરમિયાન પોસ્ટ દ્વારા મતદાન કરનારા કમલા હેરિસે અમેરિકા નાગિરકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો.
ચૂંટણી પૂર્વે દેશભરમાં નોંધાયેલા અંદાજે 24 કરોડ 40 લાખ મતદારોમાંથી 8.3 કરોડથી વધુ મતદારોએ બેલેટ મેલ દ્વારા મતદાન કર્યુ હતું.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની વિશેષ પ્રક્રિયા છે, જેને ઇલેક્ટ્રોલ કૉલેજ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 538 ઇલેક્ટ્રોલ કૉલેજમાં 270 કે તેથી વધુ મત જરૂરી છે. જે ઉમેદવારના મતોની સંખ્યા 270 સુધી પહોચી જશે, તેમને ચૂંટાયાલા જાહેર કરવામાં આવશે. અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખનો ચાર વર્ષનો કાર્યકાશ 20 જાન્યુઆરીથી શરૂ થશે.