અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી જીતનારા રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આગામી ચાર વર્ષ અમેરિકા માટે સુવર્ણ કાળ હશે. અમેરિકાની ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. આ જીત બાદ ફ્લૉરિડામાં સંબોધન કરતા ડૉનાલ્ડ ટ્રમ્પે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી ટ્રમ્પે પોતાની જીતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, ‘આ જીત અમેરિકાને મહાન બનાવે છે.’ દરમિયાન તેમણે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી બંધ કરવાની પણ વાત કરી હતી. તેઓ અમેરિકાના ભવિષ્ય માટે કામ કરશે તેવું પણ શ્રી ટ્રમ્પે સંબોધનમાં ઉમેર્યું હતું.
શ્રી ટ્રમ્પે સરહદોની રક્ષા કરવાની પણ વાત કહી હતી. સ્વિંગ રાજ્યોમાંથી પણ સમર્થન મળતાં શ્રી ટ્રમ્પે લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું તમારા અને તમારા પરિવાર માટે છેલ્લી ક્ષણ સુધી લડીશ.’
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પે 277 ઇલેક્ટૉરલ કૉલેજ મત મેળવી પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર કમલા હેરિસને ચૂંટણીમાં હરાવી દીધા છે. રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવારને જીતવા માટે 270 મતની જરૂર હોય છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:34 પી એમ(PM)