ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે.
આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહ માદક પદાર્થોના દૂષણને ડામવા અંગેના પખવાડિયાનો પ્રારંભ કરશે. જેમાં 44 હજાર કિલોગ્રામથી વધુ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો નિકાલ કરવામાં આવશે.
આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કરશે. તેમજ તેઓ દેશભરમાં માનસ-2 હેલ્પલાઇન સુવિધાનું પણ ઉદ્ઘાટન કરશે.
આ પરિષદમાં રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘માનસ’ પોર્ટલ પર માહિતીની તાત્કાલિક વહેંચણી, માદક પદાર્થોની હેરફેર સામે લડવામાં રાજ્યોનું મૂલ્યાંકન અને નાર્કોટિક્સ કોઓર્ડિનેશન તંત્રની અસરકારકતા પર ચર્ચા કરવામાં આવશે. ગૃહ મંત્રાલય 2047 સુધીમાં દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે ત્રણ મુદ્દાની નીતિ લાગુ કરી રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM) | Akashvani | akashvaninews | Amit Shah | Home Minister | India | news | newsupdate | topnews | અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | પ્રાદેશિક પરિષદ | રાષ્ટ્રીય સુરક્ષા