અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારા અને પાનની પિચકારી મારતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. શહેરનાં 120થી વધુ જંક્શન પર 2 હજારથી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. જો, કોઈ વ્યક્તિ ટ્રાફિક જંક્શન પર થૂંકતા પકડાશે તો તેનો ફોટો પાડી ઘરે મેમો મોકલવામાં આવશે અને 100 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના જંક્શન પર લાગેલા સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. હવે સીસીટીવી મારફતે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે.
વર્ષ 2023માં જાહેરમાં થૂંકતા 2 હજાર 773 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યા હતા. જ્યારે 2024માં મે મહિના સુધીમાં 1976 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. દોઢ વર્ષમાં જાહેરમાં થૂંકતા 4 હજાર 749 લોકોને ઈ-મેમો આપવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા શહેરમાં વધુ 100 સ્થળોએ હવાની ગુણવત્તા તપાસવા માટેના સેન્સર લગાવવામાં આવશે. આવા સેન્સર લગાવનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર હશે. જ્યાં હવાની ગુણવત્તા વધારે ખરાબ હશે ત્યાં મિસ્ટ મશીનથી તાત્કાલિક પાણીનો છંટકાવ કરવામાં આવશે.
15થી 20 કરોડ રૂપિયાનાં ખર્ચે આવા 100 AQI સેન્સર લગાવવામાં આવશે.
Site Admin | નવેમ્બર 15, 2024 3:28 પી એમ(PM) | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન